હવામાન વિભાગ દ્વારા આગાહી ચોમાસું 3 જૂને કેરળ પહોંચશે ગુજરાતમાં આ દિવસ ચોમાસું શરૂ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 3 જૂનનાં રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. જોકે ખાનગી હવામાન સંસ્થા સ્કાઈ મેટ દ્વારા દાવો કરાયો છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. દેશમાં 31 મેનાં રોજ ચોમાસાના આગમનની આગાહી કરનાર હવામાન વિભાગે હવે તારીખોમાં ફેરફાર કર્યો છે. હવામાન વિભાગ અનુસાર, હવે 3 જૂને કેરળના તટ પર ચોમાસુ પહોંચશે. દેશમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થવા અંગે ખૂબ જ અવઢવ ચાલી રહી છે. હવામાન વિભાગે રવિવારે સવારે આગાહી કરી હતી કે, સોમવારે એટલે કે ૩૧મી મેએ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે.

ત્યારબાદ સાંજે ફરી એક વખત હવામાન ખાતાએ જ જણાવ્યું કે, હવે ચોમાસું મૂળ ધારણા કરતા બે દિવસ મોડું એટલે કે ત્રીજી જૂને કેરળમાં ટકરાશે. હવામાન ખાતાના ડીજી મોહાપાત્રાએ જણાવ્યું કે, ચોમાસું હવે ત્રીજી જૂને કેરળના કિનારે પહોંચશે અને તેનો વિધિવત પ્રારંભ થશે. તે ઉપરાંત ખાનગી વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે, કેરળના હવામાનમાં છેલ્લાં બે દિવસથી મોટો પલટો જોવા મળી રહ્યો છે. અહીંયા વારંવાર પડી રહેલો વરસાદ જણાવે છે કે, અહીંયા મૂળ ધારણા કરતા બે દિવસ વહેલાં એટલે કે ૩૦મી મેએ ચોમાસું બેસી ગયું છે.

દર વર્ષે હવામાન વિભાગ અને સ્કાઈ મેટના દાવાઓમાં આ પ્રકારનો વિરોધાભાસ જોવા મળતો રહ્યો છે. 21 મેનાં આંદોમાન-નિકોબાર પર ચોમાસાના આગમન બાદ તે સતત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે 24 મેનાં રોજ શ્રીલંકાના દક્ષિણ તટ પર પહોંચ્યું હતું. 27 મેનાં રોજ ચોમાસું માલદીવને પાર કરી ચૂક્યું હતું અને કેરળના તટીય વિસ્તારથી 200 કિ.મી. દૂર હતું.કેરળમાં બે દિવસ વહેલા ચોમાસુ આવી પહોંચ્યું હોવાનો દાવો સ્કાયમેટે કર્યો છે જેને પગલે આ વિસ્તારમાં પ્રી-મોનસુન છાંટા પણ પડ્યા હોવાનું જણાયું છે.

ઉલ્લેખનીય છે કે, આંદામાન નિકોબાર ખાતે ૨૧ મેના રોજ જ નૈઋત્યનું ચોમાસું પહોંચી ચૂક્યું હતું. બંને એજન્સીઓ દ્વારા થોડા સમય પહેલાં જ આગાહી કરવામાં આવી હતી કે, ૧ જૂને ચોમાસું કેરળ પહોંચી જશે. વાવાઝોડું તૌકતે અને વાવાઝોડું યાસ ભારતના પશ્ચિમી અને પૂર્વીય રાજ્યો ઉપર ત્રાટક્યું છતાં હવામાન વિભાગે ચોમાસું નિયમિત હોવાની વાત કરી હતી. તાજેતરમાં હવામાન ખાતાએ જ પોતાની આગાહી બદલી કાઢી છે. બીજી તરફ ગોવામાં પાંચ જૂને અને મુંબઈમાં ૧૫ જૂને ચોમાસું પહોંચી જવાની આગાહીમાં હજી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથીચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *